Tuesday, June 21, 2016

અઢી અક્ષરનું ચોમાસ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ !

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં !

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ !

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે !
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે !

No comments:

Post a Comment